શું છે બહુચર્ચિત નેશનલ હેરાલ્ડ કેસ?

શું છે નેશનલ હેરાલ્ડ?

ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ નેશનલ હેરાલ્ડે કેસ કર્યો છે. નેશનલ હેરલ્ડની સ્થાપના 1938માં જવાહર લાલ નહેરૂએ કરી હતી. હેરાલ્ડ સૌથી પહેલા લખનૌથી 1938માં પબ્લિશ થયું હતું. જૂથ દ્વારા નવજીવનના નામે હિન્દી તથા કૌમી આવાઝના નામથી ઉર્દૂ અખબાર પણ કાઢવામાં આવતું હતું. 1947માં બ્રિટિશ રાજમાંથી આઝાદ થયા પહેલા તેણે લોકોમાં જાગૃતતા લાવવામાં મહત્વનો ભાગ ભજવવા તેને ચાલુ રાખવામાં આવ્યું હતું. સમય જતાં ખરાબ મેનેજમેન્ટ, સર્ક્યુલેશનમાં ઘટાડા તથા આવકમાં ઘટાડો થતાં પબ્લિકેશનની સ્થિતિ કથળી હતી. સોનિયા ગાંધીએ 2008માં તેને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. તે સમયે એસોસિયેટ જનર્લ્સ દ્વારા અખબાર ચલાવવામાં આવતું હતું.
તે પછી યંગ ઇન્ડિયા કંપનીએ વર્ષ 2010માં તેનું હસ્તાંતરણ કર્યું હતું.સ્વામીનું કહેવું છે કે એસોસિયેટેડ જર્નલને જવાબદારીઓ ચૂકવવા માટે કોંગ્રેસ પક્ષે 90.25 કરોડ વિના વ્યાજે આપ્યા હતા. અખબાર બંધ થયા પછી કંપનીની મિલકત પર ગેરકાયદે કબજો કરવા માટે યંગ ઇન્ડિયા નામની કંપની બનાવવામાં આવી હતી. સોનિયા તથા રાહુલ ગાંધીએ માત્ર 50 લાખ રૂપિયામાં યંગ ઈન્ડિયા કંપનીમાં ફ્રેશ શેર લીધા અને સંપૂર્ણ નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું. કંપની યંગ ઈન્ડિયનમાં સોનિયા અને રાહુલનો 38-38 ટકા હિસ્સો છે. બાકીનો હિસ્સો મોતીલાલ વોરા અને ઓસ્કર ફર્નાન્ડિઝ પાસે સરખા પ્રમાણમાં છે. આ ચારેય ઉપરાંત પત્રકાર સુમન દુબે, તથા શામ પિત્રોડાને પણ સમાન્સ કાઢવામાં આવ્યા હતા.
હજારો કરોડની સંપત્તિ હોવાનો સુબ્રમણ્યમ સ્વામીનો દાવો.

ગાંધી પરિવાર વિરૂદ્ધ હાઈકોર્ટની સજ્જડ ટિપ્પણીઓ

જસ્ટિસ સુનીલ ગૌડે 27 પેજના પોતાના આદેશમાં કહ્યું કે સમગ્ર કેસ સાંભળ્યા પછી રેકર્ડ પર એમ કહેવામાં કોઇ ખચકાટ નથી કે અપનાવવામાં આવેલી પ્રક્રિયા શંકાસ્પદ છે. ખાસ કરીને એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડ, યંગ ઇન્ડિયા અને કોંગ્રેસ પક્ષ એમ ત્રણેયની મુખ્ય વ્યક્તિઓ સમાન છે. આ છેતરપિંડી છે, ગુનાહિત કૌભાંડ છે કે વિશ્વાસઘાત તે હાલના તબક્કે કહી શકાય તેમ નથી. અરજી દાખલ કરનારાઓની શંકાસ્પદ ભૂમિકાની તપાસ જરૂરી છે.આરંભિક તબક્કે આ પ્રકારની કાર્યવાહીને ના રોકી શકાય.

સોનિયા-રાહુલ સામેની કલમો

સ્વામીએ આક્ષેપ કર્યો છે કે સોનિયા અને રાહુલ ગાંધીએ વિશ્વાસ ભંગ કર્યો છે. તેમણે આરોપીઓની સામે, ભારતીય દંડ સંહિતાની કલમ 403 (સંપત્તિનો અપ્રમાણિક રીતે ઉપયોગ), 406 (ગુનાહિત રીતે વિશ્વાસભંગ), 420 (છેતરપિંડી), તથા 120બી (ગુનાહિત કાવતરું રચવા) હેઠળ ફરિયાદ દાખલ કરી છે. આ કેસમાં 7 વર્ષની જેલની સજાથી માંડીને આજીવન કારાવાસની સજા પણ થઈ શકે છે.

હજારો કરોડની સંપત્તિ : સુબ્રમણ્યમ સ્વામી

નેશનલ હેરાલ્ડ નવીદિલ્હીમાં 5-અ બહાદુર શાહ ઝફર માર્ગ પર આવેલી છે. નવીદિલ્હીમાં આ વિસ્તારને ‘પ્રેસ એરિયા ‘ તરીકે ઓળખવામાં આવે છે. સરકારે આ વિસ્તારમાં અનેક પ્રકાશનગૃહોને જમીનો આપેલી છે. કેસ દાખલ કરતી વખતે સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે, ‘કેન્દ્ર સરકારે હેરાલ્ડ હાઉસને અખબાર ચલાવવા માટે જમીન આપી હોવાથી તેનો વ્યાવસાયિક હેતુ માટે ઉપયોગ કરી શકાય નહીં, આમ છતાં પાસપોર્ટ સેવા કેન્દ્રનું સંચાલન હેરાલ્ડ હાઉસથી જ થઈ રહ્યું છે.’

સ્વામીની દલીલ છે કે, ચૂંટણી પંચના નિયમો પ્રમાણે કોઈ પણ રાજકીય પક્ષ ધિરાણ આપી ન શકે અને ધીર-ધારની પ્રવૃત્તિમાં સામેલ ન થઈ શકે.

રાહુલ ગાંધીના નાગરિકત્વને પડકાર્યું

તાજેતરમાં સુબ્રમણ્યમ સ્વામીએ બ્રિટનમાં નોંધાયેલી એક કંપનીના કેટલાક દસ્તાવેજો બહાર પાડ્યા હતા. જેમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ડાયરેક્ટર હતા. આ કંપનીની નોંધણી, વિસર્જન તથા તેના વાર્ષિક અહેવાલોમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષનું નામ હતું. જો કે, તેમનું નાગરિકત્વ બ્રિટિશ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.

સોનિયા ગાંધીએ ડિગ્રીમાં ભૂલ સ્વીકારી

કોંગ્રેસના ગાંધી પરિવાર તથા સુબ્રમણ્ય સ્વામીનું વેર ખુબ જૂનું છે. સોનિયા ગાંધીએ દાવો કર્યો હતો કે તેમણે બ્રિટનની વિખ્યાત કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ડિપ્લોમાની ડિગ્રી મેળવી છે. તેમના આ દાવાને સ્વામીએ પડકાર્યો હતો અને ચૂંટણીની પ્રક્રિયાને રદ કરવા દાદ માગી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે અરજી કાઢી નાખી હતી. જો કે, કોંગ્રેસ અધ્યક્ષાએ સ્વીકારવું પડ્યું હતું કે, ‘ટાઈપોગ્રાફિક એરર’ થઈ હતી.

રાહુલ ગાંધીની ડિગ્રી અંગે સવાલ

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ડિગ્રી અંગે પણ સુબ્રમણ્યમ સ્વામીએ સવાલ ઉઠાવ્યા હતા. સ્વામીએ દાવો કર્યો હતો કે, રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એમફીલ નથી કર્યું. જો કે, એક ખાનગી અંગ્રેજી ચેનલને ઈન્ટરવ્યૂ આપતી વખતે રાહુલ ગાંધી એ કહ્યું હતું કે, તેઓ ડિગ્રી બતાવી શકે તેમ છે. જો કે સ્વામીને ચેલેન્જ કરવાનો રાહુલ ગાંધીએ ઈન્કાર કરી દીધો હતો. રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે, મારે તેમના નિવેદનને મહત્વ ન આપવું જોઈએ.

Advertisements